Search This Blog

Saturday, September 24, 2011

શ્રીજી મહારાજ- સ્વરૂપ નિરૂપણ


હું ઘણીવાર- વચનામૃત કે સંતો દ્વારા લખાયેલ – શ્રીહરિ લીલામૃત કે ચરિત્ર નું પઠન કરું ત્યારે- સવાલ થાય છે કે – જેના માત્ર એક દર્શન થી લોકો ને સમાધી થઇ જાતી …એ દર્શન…સ્વરૂપ  કેવું હશે??? એક ચાખડી ના ચટકે કે..હાથ ના એક લટકે અનેક મુમુક્ષો ને સમાધી થઇ જાતી હતી. પૂ. પ્રેમાનંદ સ્વામી જેવા અતિ વિદ્વાન સંતે – એમની કૃતિઓ ..ભજનો..પદો મા શ્રીજી ની નાની નાની વાતો નું આબેહુબ વર્ણન કર્યું છે. કવીશ્વર દલપત રામ – શ્રીજી નો એક લટકો કે જે- એમણે આઠ વર્ષ ની ઉમરે સાંભળ્યો હતો- એ એમની જિંદગી ભર ભૂલ્યા ન હતા…….હરિભક્તો દ્વારા રોજ બોલાતી ચેષ્ઠા મા – મહારાજ ના આ સ્વરૂપ નું….લીલાઓ નું સુપેરે વર્ણન કર્યું છે.  વચનામૃત ની શરૂઆત મા શ્રીજી ની જીવન લીલા નું જે વર્ણન થયું છે – એમાં પણ એમના સ્વરૂપ ની..ક્રિયાઓ નું..ટેવો નું અદભૂત વર્ણન થયું છે. કદાચ – સ્વામિનારાયણ સંપ્રદાય ના મહાન સંતો એ – જે રીતે શ્રીજી મહારાજ ની આ લાક્ષણિકતા ઓ કે સ્વરૂપ નું જે રીતે માઈક્રો લેવલે વર્ણન કર્યું છે- એવું તો કોઈનું વર્ણન હજુ સુધી નહી થયું હોય. શરીર પર ના તલ, નિશાન  કે ચિહ્નો ..દંતપંક્તિ કે ચાલવા-ઊઠવા-બેસવા ની રીતો…….તમે કલ્પના ન કરી શકો એ રીતે એનું ખુબ જ ઝીણવટ ભર્યું વર્ણન થયું છે. જુઓ એના અમુક અંશ…..
 એવા જે સહજાનંદ સ્વામી મહારાજ તેની મૂર્તિ ના જે ચિહન તે પ્રથમ લખી એ છીએ…શ્રીજી મહારાજ ના બે ચરણવિંદ ના તળામા ઉર્ધ્વ રેખા છે , તે કેવી છે? તો અંગુઠા ની પાસે ની જે આંગળીઓ તેની બેય કોરે નીકળી છે ને પાની ને બેય કોરે નીકળી છે, અને જમણા પગ ના અંગુઠા ના થડ મા ઉર્ધ્વરેખા ની બેય કોરે કમળ ,અંકુશ,ધ્વજ,અષ્ટકોણ,વજ્ર,સ્વસ્તિક,જમ્બુફળ એમના ચિહન છે…અને જમણા પગ ના અંગુઠા ના નખમાં એક ઉભી રાતી રેખા  નું ચિહન છે…….અને એ જ અંગુઠા ને બહેરાલે પડખે એક તિલ છે ……..
ઓરીજીનલ- સ્વામીનારાયણ મ્યુઝીયમ , અમદાવાદ જોઈ શકાય છે.
  ….અને બે નેત્ર ને જે હેથલી ને ઉપલી પાંપણયો તેથી ઉપર ને હેઠે ઝીણી ઝીણી કરચલીઓ પડે છે..અને નાસિકા ઉપર શીળી ના ચાઠાંના ઝીણા ઝીણા ચિહન છે . અને મુખમાં જમણી કોરે હેઠ લી જે પ્રથમ દાઢય તેમાં શ્યામ ચિહન છે અને જીહવા તે કમળ ના પત્ર સરખી રક્ત છે અને ડાબા કાન ને માંહેલી કોરે શ્યામ બિંદુ નું ચિહન છે….અને વિશાળ ને ઊપડતું એવું જે લલાટ તેને વિષે તિલક ને આકારે ઉભી બે રેખાઓ છે…. 
” શ્રીજી મહારાજ ને નિત્ય પ્રત્યે પાછલી ચાર ઘડી અથવા ત્રણ ઘડી રાત્રી રહે તારે ઉઠીને દાતણ કરવાનો સ્વભાવ છે.અને તે પછી સ્નાન કરી ને , ને ધોયેલું જે કોરું વસ્ત્ર તેણે કરી ને શરીર ને લુંઈને પછી ઉભા થઇ ને પહેરવા ના વસ્ત્ર ને બે સાથળ વચ્ચે ભેળું કરી ને તેણે બે હાથે કરી ને નીચોવી ને પછી સાથળ ને, ને પગ ને લુઈ ને પછી ધોયેલું સુક્ષ્મ શ્વેત વસ્ત્ર તેને સારી પેઠે તાણી ને પહેરે છે………..
તો, વચનામૃત અને પ્રેમાનંદ સ્વામી ના અસંખ્ય પદો મા – મહારાજ વિષે બધું જ વર્ણન છે. જેમ તમે એને ઊંડાણ પૂર્વક વાંચતા જાઓ તેમ તેમ તમારી મનો- દ્રષ્ટી સમક્ષ મહારાજ ની મનોહર શ્યામળી મૂર્તિ છવાતી જાય છે…….! મહારાજ ના સ્વરૂપ ના તો જેટલા ગુણ લખવા હોય એટલા લખાય એમ છે પણ હું જયારે જયારે કાલુપુર મંદિર જાઉં ત્યારે- ત્યાં રંગમાહોલ કે સંત નિવાસ પાસે ના શ્રીજી ના નિવાસ સ્થાન ના દર્શને અચૂક જાઉં છું. ત્યાં આગળ ઘનશ્યામ મહારાજ ની જે મૂર્તિ છે- તે કદાચ અદ્દલોઅદ્દલ્ મહારાજ ના સ્વરૂપ ને વિષે સામ્યતા ધરાવે છે.
ઘનશ્યામ મહારાજ- કાલુપુર મંદિર
તમે ધ્યાન થી જુઓ તો ખબર પડે. શ્રીજી મહારાજ ની – પૂ. આધારાનંદ સ્વામી અને નારાયણ જી સુથારે બનાવેલી મૂર્તિ ચિત્ર સાથે એ મેળ ખાય છે.
શ્રીજી મહારાજ
સ્વામિનારાયણ ગુરુકુળ, અમદાવાદ મંદિર ના સ્ટોલ મા મે શ્રીજી મહારાજ નો ફોટો જોયેલો. કહેવાય છે કે – અંગ્રેજ અમલદારે એ ફોટો લીધો હતો અને એ સાચો ફોટો છે….પણ એ ચર્ચા નો વિષય છે કારણ કે શ્રીજી મહારાજ  ઈસવીસન  1830 મા ધામ મા ગયેલા અને કેમેરા ની શોધ  ઈસવીસન ૧૮૬૫ થી શરુ થયેલી પણ ફોટા ને જાળવવા ને ટેકનીક ૧૮૨૬ મા પેરીસ મા જોસેફ નીકેફર દ્વારા થયેલી. આથી ૧૮૩૦ મા શ્રીજી નો ફોટો લેવા ની આ વાત મા કઈ ક ખાસ દામ નથી લાગતો છતાં એમાં સત્ય ની તપાસ કરી શકાય.
શ્રીજી નો સાચો ફોટો ?????
ફોટો સૌજન્ય- ગુગલ ઈમેજ
જે હોય તે…..પણ મે એ ફોટો જોયેલો અને એ ફોટા મા પણ શ્રીજી મહારાજ( જો એ સાચો ફોટો હોય તો) અદભૂત લાગ્યા છે.  હરિ ની કોઈ પણ વાત- કે લીલા-કે સ્મૃતિ – મન ને તરબતર કરવા પૂરતી છે.  આખરે આપણા શાસ્ત્રો મા ભગવાન ને – એમની સ્મૃતિ ઓ ને વારંવાર યાદ કરવા નું- કેમ કહે છે???? કારણ કે , એના થી તમારા મન-હૃદય પર એક અમિત છાપ રચાય છે- વૃતિઓ-ઇન્દ્રિયો ભગવાન મા જોડાયેલી રહે છે અને જીવ સ્થિર થઇ મોક્ષ અથવા અક્ષરધામ ને પામે છે. આમેય , શ્રીકૃષ્ણ ભગવાને – શ્રીમદ ગીતા મા કહ્યું છે કે – મારા ભક્તો મને જે સ્વરૂપે પુજે છે અને ઈચ્છે છે તે સ્વરૂપે હું એમને પ્રાપ્ત થાઉં છું….તો બસ હરિ નું સ્વરૂપ- લક્ષણો -લીલા ચરિત્રો – મનમાં ઘૂંટી રાખો- એ તમારી નિષ્ઠા પાકી કરશે અને હરિ ની પ્રાપ્તિ સહજ કરાવશે.
બસ, આપણે તો આ જ જોઈએ છે…….તમારે શું જોઈએ છે? એ તમારે નક્કી કરવા નું છે……”આપ મૂઆં સ્વર્ગ ન જવાય….” કહેવત છે આથી- હરિ ને જેટલા જલ્દી હૃદય મા વસાવો એટલું જ સારું છે…..સહજ છે…..
સહજ આનંદ………સહજ આનંદ………….
જય સ્વામિનારાયણ….
રાજ

No comments:

Post a Comment